અમદાવાદના નારોલમાં (8 સપ્ટેમ્બર) મોડી રાત્રે વીજ કરંટથી દંપતિના મોતની ઘટના બની હતી. રોડમાં પડેલા ખાડમાં વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા પતિ - પત્નીને વીજ કરંટલાગતા ઘટના સ્થળે જ મોત થયાની ઘટના સામે આવી છે. પાણી ભરેલા ખાડામાં પત્ની પડી તેને પતિ બચાવવા જતા તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બાદ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવાર દંપતીના મૃતદેહોને મનપા ઓફિસ લાવ્યો છે.


નારોલમાં કરંટ લાગવાથી દંપતીનું મોત 

મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. વીજ કર્મચારીઓએ કરંટ બંધ કરી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક દોડી આવી હતી. બાદમાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે મનપાની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે.

 પરિવાર દંપતીના મૃતદેહોને મનપા ઓફિસ લઈને પહોંચ્યો

આ ઘટના બાદ પરિવાર દંપતીના મૃતદેહોને મનપા ઓફિસ લઈને પહોંચ્યો હતો. મૃતદેહોને દક્ષિણ ઝોન ઓફિસ લાવવામાં આવ્યા છે. પરિજનોએ મનપા ઓફિસ ખાતે ઉગ્ર દેખાવ કર્યા છે. મનપાના અધિકારીઓ ઓફિસમાં પુરાય ગયા છે. પરિવારે આક્ષેપ કર્યો કે કોર્પોરેશનની ગંભીર બેદરકારીના લીધે બે લોકોનો જીવ ગયો છે. કરોડો રૂપિયાના બજેટ રોડ પાછળ વાપરવામાં આવે છે છતા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવે છે. પાલિકાએ યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આજે બંને લોકો જીવીત હોત.

 સ્ટ્રીટ લાઇટ બંધ હતી, તો કરંટ કેવી રીતે લાગ્યો 

નારોલમાં કરંટ લાગવાથી મોતનો મામલે AMC DYMC ભરત પરમારનું નિવેદન સામે આવ્યપં છે. 18 મીટરનો રોડ છે, ગઈકાલે દંપતી ત્યાંથી પસાર થયું ત્યારે તે સ્લીપ થઈ ગયું હતું, સતત વરસાદના કારણે રોડ નવો બનાવવાની કામગીરી થઈ શકી નથી. પરંતુ રિપેરિંગ કરવામાં આવ્યું છે. હોટ મિક્સ નાખી કામગીરી કરી હતું, પરંતુ સતત હેવી વાહનો પસાર થતા હોવાના કારણે રોડના ખાડા પડી ગયા છે. ફાયર વિભાગને લાગ્યું છે કે તે પહોંચ્યા ત્યારે પાણીમાં કરંટ હતો. લાઇટ વિભાગે કહ્યું છે કે સ્ટ્રીટ લાઇટ બંધ હતી. તો કરંટ કેવી રીતે લાગ્યો તેને લઈને તપાસ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની હકીકત સામે આવશે.


  • Follow us on: