ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ છે. અચાનક નદીનું જળસ્તર વધતા ગામની આસપાસના વિસ્તારો જળબંબાકાર થયા હતા. જેના કારણે ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગાણોલ પ્રાથમિક શાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી છે.


ઊભા પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતિત

આ પૂરના પાણીથી ગાણોલ અને આસપાસના ગામોમાં લગભગ 3000 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઊભો પાક નિષ્ફળ ગયો છે. મગફળી, કપાસ, અને શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાનું નુકસાન થવાથી ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે. તેમની મહેનત અને મૂડી બંને પાણીમાં ધોવાઈ ગયા છે. આ અણધારી આફતને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

સરકાર સહાય આપે તેવી ખેડૂતોની માંગ

નુકસાનગ્રસ્ત ખેડૂતોએ હવે સરકાર પાસે મદદ માટે આજીજી કરી છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનની ભરપાઈ માટે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો તેમની આર્થિક સ્થિતિ વધુ કથળશે. આશા છે કે સરકાર ખેડૂતોની વેદના સાંભળીને ઝડપી પગલાં લેશે.


  • Follow us on: