અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆતમાં જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાના શાસકો માત્ર પ્રિ મોન્સૂન કામગીરીના દાવા કરીને દૂર રહે છે અને કામગીરી વરસાદના પાણીના પ્રવાહમાં ધોવાઈ જાય છે. શહેરમાં અંડરપાસમાં ભરાઈ જતા પાણીનો નિકાલ કરવાની કે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે બેરિકેટિંગ કરવાની જવાબદારી પણ તંત્ર ઉપાડતુ નથી. શહેરમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતાં. તંત્રએ અંડરપાસ બંધ નહીં કરતાં વાહનચાલકો ઘૂસ્યા હતાં. જ્યાં એક કાર વચ્ચોવચ્ચ બંધ થઈ ગઈ હતી.


કારને બહાર કાઢવા માટે ટોઈંગ કરવાની ફરજ પડી

અમદાવાદમાં ચોમાસા પહેલા જ પ્રિ મોન્સૂન પ્લાનની મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવી હતી. મહાનગર પાલિકાના શાસકોએ શહેરમાં પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરી હોવાના દાવા કર્યા હતાં. ગઈકાલે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પૂર્વમા ટ્રંક લાઈનનું કામ 27 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે અને ખારીકટ કેનાલથી વરસાદી પાણીનો નિકાલ કરાશે તેવા દાવા કર્યા હતાં. પરંતુ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. પરંતુ તંત્રએ અંડરપાસ બંધ નહીં કરતાં વાહનચાલકો ઘૂસ્યા હતાં. જ્યાં એક કાર વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી.બંધ પડેલી કારને બહાર કાઢવા માટે ટોઈંગ કરવાની ફરજ પડી હતી.

ગાંધીનગરના સેક્ટર 3માં ગાડી ફસાઈ

આવી જ એક ઘટના પાટનગર ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરના સેક્ટર ત્રણમાં રોડ બેસી જતાં એક તરફના ભાગને અસર પહોંચી હતી. ભારે વરસાદથી ગાંધીનગરમાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ બેસી જવાથી કારનો એક તરફનો ભાગ પણ ત્યાં ફસાઈ ગયો હતો. માત્ર એક દિવાલને કારણે આ પ્રકારની તકલીફો થતી હોવાની કોર્પોરેશનને અનેક રજૂઆતો કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી. જેનો ભોગ સામાન્ય નાગરિકોએ બનવું પડે છે. વરસાદની સિઝનમાં ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ધંધારોજગાર અને નોકરીએ જનારા અનેક લોકોને આ પ્રકારની હાલાકીનો ભોગ બનવું પડે છે. આ ઉપરાંત સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. 

  • Follow us on: