અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ મધ્ય પ્રદેશના રતલામમાં રહેતા 7 વર્ષના શુભમ નિમાણાના પેટ અને નાની આંતરડામાંથી વાળ, ઘાસ અને જૂતાના દોરાનો એક મોટો ગુચ્છો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. આ એક અત્યંત દુર્લભ બીમારી છે, જે બાળકોમાં માત્ર 0.3-0.5% કેસમાં જ જોવા મળે છે. અમદાવાદ સિવિલમાં સફળ ઑપરેશન બાદ બાળક હવે સ્વસ્થ છે અને તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ કેસની સફળતાએ ડૉક્ટરોની કુશળતાને ફરી એકવાર સાબિત કરી છે.
ઓપરેશન અને બિમારીનું નિદાન
શુભમ છેલ્લા બે મહિનાથી પેટમાં દુખાવો, ઊલટી અને વજન ઘટવાની સમસ્યાથી પીડાતો હતો. મધ્ય પ્રદેશની એક ખાનગી હૉસ્પિટલમાં રૂ. 2 લાખનો ખર્ચ કરવા છતાં તેને રાહત મળી નહોતી. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ. જયશ્રી રામજીના નેતૃત્વમાં ડૉક્ટરોની ટીમે બાળકનું સીટી સ્કેન અને એન્ડોસ્કોપી કરી, જેમાં પેટમાં વાળ અને દોરાનો ગુચ્છો હોવાનું જણાઈ આવ્યું. ત્યારબાદ એક્સપ્લોરેટરી લેપરોટોમી સર્જરી કરીને આ ગુચ્છો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો. ઑપરેશન પછી, છ દિવસ સુધી બાળકને મોઢા વાટે કંઈ આપવામાં આવ્યું ન હતું અને સાતમા દિવસે ડાઈ ટેસ્ટ કરીને ખાતરી કરવામાં આવી હતી કે પેટમાં કોઈ અવશેષ બાકી નથી.













