અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોલીસની કથિત ગેરરીતિનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અપોલોથી વૈષ્ણોદેવી જતાં ટોલટેક્સ પાસે બે પોલીસકર્મીઓ અને અન્ય બે વ્યક્તિઓએ મસ્તકથી આવેલા એક યુવક સાથે તોડ કર્યો હતો. યુવકની ગાડીની તપાસ કરતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેનો લાભ ઉઠાવીને પોલીસે યુવકને જેલમાં પૂરવાની અને પાસપોર્ટ જમા કરાવવાની ધમકી આપી હતી. આ ઘટનાએ પોલીસની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


દોઢ લાખ માંગીને વીસ હજારનો તોડ

પોલીસકર્મીઓએ દારૂની બોટલ મળ્યા બાદ યુવક પાસે રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. યુવકે આટલી મોટી રકમ આપવાની ના પડતા લાંબા સમયની રકઝક બાદ અંતે રૂ. 20,000 લઈને મામલો પતાવ્યો હતો. આ રકમ લીધા બાદ પોલીસકર્મીઓ દારૂની બંને બોટલ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમથી યુવક અત્યંત ભયભીત થઇ ગયો હતો. પોલીસના યુનિફોર્મમાં રહેલા અધિકારીઓ જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સામેલ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ચાર લોકો સામે પોલીસ ફરિયાદ અને તપાસ

આ મામલે યુવકે તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે યુનિફોર્મમાં રહેલા બે પોલીસકર્મીઓ અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પોલીસ વિભાગ માટે શરમજનક છે અને કાયદાના રક્ષકો જ કાયદો તોડતા હોવાનું સ્પષ્ટ કરે છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.


  • Follow us on: