બિહારના મોતીહારીમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે. અમદાવાદના ગૌતમ યાદવની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. 16 સપ્ટેમ્બરે આમોદ કુમાર નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગૌતમ યાદવ નામના આરોપીએ હત્યાની સોપારી લઈ બે આરોપીઓને બિહાર મોકલ્યા હતાં. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી હતી. બિહાર પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પાસેથી આરોપીનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદના ગૌતમ યાદવની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ક્રાઈમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે 16 સપ્ટેમ્બરે બિહારના મોતિહારી જિલ્લામાં સ્થિત બિરેયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. ખોરવા ગામથી મઠિયા જતા રોડ પર બે અજાણ્યા ઇસમોએ મોટરસાયકલ પર સવાર અમોદકુમાર નામના વ્યક્તિ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી.બિહાર પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું કે મૃતક અમોદકુમારની પત્નીને વિકાસ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.આ પ્રેમ સંબંધના કારણે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને બહારથી શૂટરો બોલાવીને હત્યા કરાવી હતી.

ગૌતમ યાદવે સોપારી લઇ બે આરોપીને બિહાર મોકલ્યા હતા

આ બનાવ અંગે બિહારના બિરેયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરાર આરોપીને શોધવા માટે અમદાવાદ આવ્યો હતો અને સ્થાનિક પોલીસની મદદ માંગી હતી.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સપોર્ટના આધારે તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન, શૂટર મોકલનાર આરોપી ગૌતમ કુમાર જયમંગલ યાદવને ઝડપી પાડવામાં સફળતા મળી છે.આરોપી ગૌતમ કુમાર હાલ અમદાવાદમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી બાદ આરોપીને બિરેયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: