અમદાવાદમાં વધુ એક વખત પાણી કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આગામી 3 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં પાણીકાપ રહેશે. આગામી 9થી 11 જુલાઈ સુધી દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણી કાપ રહેશે. આ અંગે AMCના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ કહ્યું કે રસ્કા ખાતે શેઢી કેનાલના દરવાજાનું રીપેરીંગ કામકાજ કરવાનું હોવાના કારણે શહેરમાં પાણી કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ ઝોનના મણીનગર, ઈસનપુર, ઈન્દ્રપુરી, અમરાઈવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઠક્કરનગર સહિત 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. ત્રણ દિવસ દરમિયાન કોતરપુર વોટરવર્કસ પ્લાન્ટ ખાતેથી થોડું પાણી પહોંચાડવામાં આવશે.


3 ફેબ્રુઆરીએ પણ શહેરમાં પાણીકાપ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે અગાઉ AMCએ ફેબ્રુઆરી મહિનામાં પણ અમદાવાદના અનેક વિસ્તારમાં પાણીકાપ કરવાનો નિર્ણય લીધો હતો. કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામને લઈ પાણી બંધ કરવામાં આવ્યું હતું. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન , મધ્ય ઝોનમાં પાણી કાપ કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળ્યું નહતું. મળતી માહિતી મુજબ, કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લીકેજ હોવાથી અમદાવાદના અનેક વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો હતો.

AMC તરફથી અગાઉથી જ કરવામાં આવે છે જાણ

શહેરના પશ્ચિમ, ઉત્તર, મધ્ય ઝોનમાં પાણી કાપ કરાયો હતો. જો કે 5 ફેબ્રુઆરીથી પાણીનો જથ્થો રાબેતા મુજબ છોડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં અનેક વખત પાણીકાપ કરવામાં આવ્યો છે, જો કે AMC તરફથી અગાઉથી જ સ્થાનિકોને ધ્યાન દોરવામાં આવતા તેઓ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી દે છે અને શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવતો નથી.


  • Follow us on: