અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના ગંભીર બનાવ બાદ પણ શાળા સંચાલકોની મનમાની યથાવત રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં, શાળા સંચાલકો તેનો યોગ્ય જવાબ આપી રહ્યા નથી અને શિક્ષણ વિભાગને પણ ગાંઠતા નથી. આ ઘટના બાદ શાળાની ગંભીર બેદરકારી સામે આવી હતી અને શિક્ષણ વિભાગે શાળાનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. તેમ છતાં, શાળા સંચાલકો પર તેની કોઈ અસર જોવા મળી નથી, જે એજ ચિંતાજનક બાબત છે.
શિક્ષણ વિભાગની નોટિસની અવગણના અને જવાબદારીનો અભાવ
શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલી બે નોટિસનો યોગ્ય જવાબ આપ્યો નથી. પ્રથમ નોટિસ મળ્યા બાદ પણ કોઈ પ્રત્યુતર ન મળતા બીજી નોટિસ પાઠવીને શાળા સંચાલકોને સવારે 11 વાગ્યા સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકરી (DEO) ઓફિસમાં હાજર રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં સંચાલકોએ જાતે હાજર થવાને બદલે એક પટાવાળાને જવાબ રજૂ કરવા મોકલ્યો હતો, જે સ્પષ્ટપણે તેમની જવાબદારી પ્રત્યેની બેદરકારી દર્શાવે છે. આ ઘટના બાદ પણ શાળા સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સંચાલકોમાં NOC રદ કરવાનો કોઈ ડર રહ્યો નથી.
સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત
સેવન્થ ડે સ્કૂલના સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગના આદેશની વારંવાર અવગણના કરવામાં આવી રહી છે. એક તરફ વિદ્યાર્થીની હત્યાનો ગંભીર બનાવ બન્યો છે અને બીજી તરફ શાળા સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં બેદરકાર રહી છે. આમ છતાં, તેમની સામે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સવાલો ઉભા થઇ રહ્યા છે. આ ઘટના ભવિષ્યમાં આવી શાળાઓની મનમાનીને પ્રોત્સાહન આપી શકે છે. શિક્ષણ વિભાગે તાત્કાલિક કડક પગલાં લઈને શાળાનું NOC રદ કરવું જોઈએ અને અન્ય શાળાઓ માટે પણ એક દાખલો બેસાડવો જોઈએ. જો આવું નહીં થાય તો શાળાઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે અને વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં મૂકાઈ શકે છે.