અમદાવાદના શેલા જતા VIP રોડ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક લોડિંગ ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો મોટાભાગનો હિસ્સો તૂટી ગયો હતો, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. જોકે, સદનસીબે જાનહાનિના કોઈ મોટા સમાચાર નથી, પરંતુ ટ્રકચાલકને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
VIP રોડ બન્યો 'ડેન્જર ઝોન'
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શેલાનો આ VIP રોડ અકસ્માતો માટે 'ડેન્જર ઝોન' બની ગયો છે. વારંવાર આ જ જગ્યાએ અકસ્માત થવાના કારણે નાગરિકોમાં ભયની સાથે સાથે તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ સ્થળે માર્ગ સલામતીના પૂરતા પગલાં લેવા અને સ્પીડ નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે અવારનવાર માગ કરી છે. વહેલી સવારના સમયે બેફામ ગતિએ આવતા વાહનોને કારણે આ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.













