અમદાવાદના વટવા વિસ્તારમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલા બે સગા ભાઈઓ અંતે હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.આ બંને બાળકો પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર સાયકલ લઈને નીકળી પડ્યા હતા.લાંબા સમય સુધી બાળકો પરત ન ફરતાં ગભરાયેલા પરિવારે તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેના પગલે પોલીસે ગુનો નોંધીને તાબડતોબ શોધખોળ હાથ ધરી હતી.


પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી

બાળકોને શોધી કાઢવા માટે વટવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી.પોલીસે સતત મહેનત કરીને શહેરના અલગ-અલગ વિસ્તારોના 400થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી માર્યા હતા.ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ બંને બાળકો વટવાથી સાયકલ લઈને છેક મુંબઈ પહોંચી ગયા હતા.

પરિવારજનોએ પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો

મુંબઈમાં બે દિવસ સુધી રોકાયા બાદ આ બંને બાળકો ત્યાંથી વડોદરા આવ્યા હતા.જ્યાં આખરે પોલીસને તેમને શોધી કાઢવામાં સફળતા મળી હતી.વટવા પોલીસની ટીમે વડોદરાથી બંને બાળકોનો સુરક્ષિત કબ્જો મેળવ્યો હતો અને અમદાવાદ લાવીને સહીસલામત તેમના માતા-પિતાને સોંપી દીધા હતા.ગુમ થયેલા વહાલસોયા બાળકો પાછા મળતાં પરિવારજનોએ પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ



  • Follow us on: