અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ખુલ્લેઆમ ઘરમાં ઘૂસીને સાસુની નજર સામે પુત્રવધૂનું અપહરણની ઘટના સામે આવી હતી.આ મામલે સાસુ દ્વારા સાબરમતી પોલીસ મથકમાં પુત્રવધૂના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ક્રેટા કારમાં આવેલા બેથી ત્રણ યુવકો અને એક યુવતીએ પુત્રવધૂને કરમાં બેસાડી અપહરણ કર્યું હતું.યુવતીના અપહરણના ચકચારી કેસમાં હવે ચોકાવનારા ખુલાસાઓ થયા છે.સુરતની ઉત્રાણ પોલીસે અપહરણ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને યુવતી સાથે ઝડપી પાડ્યા છે.


યુવતીના અપહરણનો ભેદ ઉકેલાયો

અમદાવાદના સાબરમતી પોલીસ મથકમાં નોંધાયેલી યુવતીના અપહરણનો ભેદ ઉકેલાયો છે.સુરતની ઉતરાણ પોલીસે યુવતી સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે.સાબરમતી વિસ્તારમાં ધોળા દિવસે સાસુની હાજરીમાં પુત્રવધૂનું અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણ દરમ્યાન સાસુ વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો.ક્રેટા ગાડીમાં આવેલી એક યુવતી સાથે અન્ય લોકોએ પુત્રવધુનું અપહરણ કર્યું હતું.જોકે યુવતીના પરિવારજનોની ફરિયાદ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના ભીલવાડાના ઘેવરચંદ ઉર્ફે અભિષેક ગુર્જર છેલ્લા સાત વર્ષથી ફરિયાદીની પુત્રવધૂના સંપર્કમાં હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે.

જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો

વર્ષ 2020માં જ્યારે યુવતી સગીર હતી.ત્યારે તેના અપહરણ અને દુષ્કર્મના કેસમાં રાજસ્થાનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસમાં કોર્ટ દ્વારા ઘેવરચંદને 20 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી.જેલમાં સજા ભોગવતી વખતે પિતાના અવસાન બાદ તેને પેરોલ મળ્યો હતો. પરંતુ પેરોલ પૂરો થયા બાદ તે જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ફરી યુવતીના સંપર્કમાં આવી પોતાના સાગરિતો સાથે મળીને અમદાવાદથી તેનું અપહરણ કરી ફરાર થયો હતો.

બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ પોલીસને સોંપાયા

સુરતની ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે અપહરણ કેસમાં સંડોવાયેલા આરોપીઓ રાજસ્થાન પાસિંગની થાર અને અન્ય વાહનોમાં સુરત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે.જેના આધારે ઉત્રાણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી વોચ ગોઠવી આરોપી ઘેવરચંદ ઉર્ફે અભિષેક ગુર્જર અને ફિરોઝ ઉર્ફે ફારૂકને અપહરણ કરાયેલી યુવતી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી થાર કાર મહારાષ્ટ્રમાંથી ચોરાયેલી હોવાનું પણ બહાર આવ્યું હતું.ત્યારબાદ બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યા છે.

અનેક ફોર વ્હીલ કારોની ચોરી કરી હોવાની કબૂલાત

એલ ડિવિઝન પોલીસના ઈન્ચાર્જ એસીપી વાણી દૂધાતે કહ્યું હતું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.મુખ્ય આરોપી ઘેવરચંદ સામે રાજસ્થાનમાં પોક્સો,અપહરણ અને દુષ્કર્મનો ગંભીર ગુનો નોંધાયેલો છે.ઉપરાંત રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં કાર ચોરીના અનેક ગુનાઓમાં પણ તે વોન્ટેડ છે.ઘેવરચંદ અને તેના સાગરિતોએ હરિયાણામાંથી સ્કોર્પિયો,રાજસ્થાનમાંથી ક્રેટા, આઈ-20 અને ટાટા નેક્સન તેમજ મહારાષ્ટ્રમાંથી થાર, ટાટા હેરિયર અને સફારી જેવી અનેક ફોર વ્હીલ કારોની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે

જ્યારે બીજા આરોપી ફિરોઝ ઉર્ફે ફારૂક સામે પણ અપહરણ અને વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.પોક્સો કેસમાં સજા પામેલો અને પેરોલ જમ્પ કરેલો આરોપી ઘેવરચંદ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વાહન ચોરીને પોતાનો મુખ્ય ધંધો બનાવી દીધો હતો અને ચોરી કરેલા વાહનોનો ઉપયોગ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવરજવર માટે કરતા હતા.અમદાવાદ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીથી માત્ર અપહરણ કેસનો જ નહીં પરંતુ આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે.

આ પણ વાંચોઃ Operation Delta Hunt: બાંગ્લાદેશીઓ કેવી રીતે ગુજરાતમાં ઘૂસણખોરી કરે છે? જાણો Inside Story


  • Follow us on: