વર્ષ 2023માં શરૂ થયેલી લખપતિ દીદી યોજના આજે અનેક મહિલાઓની આર્થિક ઉન્નતિનું માધ્યમ બની છે. લખપતિ દીદી યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક 1 લાખ કે તેથી વધુ થઈ શકે.દેશની 2 કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.આ પહેલ હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગે આદિવાસી મહિલાઓને રોપા ઉછેરમાં તાલીમ,નાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ પ્રદાન કરીને 35 લાખની કમાણી કરવામાં મદદ કરી છે.


મહિલાઓને થઈ 35 લાખની કમાણી

આ યોજના હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગે ઉત્કૃષ્ટ કામગીરી કરીને આદિવાસી મહિલાઓને લખપતિ બનાવી છે.નાણાકીય વર્ષ 2023-24માં સ્વ-સહાય જૂથોએ 8,50,000 રોપા સફળતાપૂર્વક ઉછેર્યા હતા અને આ પહેલથી 40 મહિલાઓએ 35 લાખની કમાણી કરી હતી. આ આંકડો દર્શાવે છે કે લખપતિ દીદી યોજનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સંપૂર્ણપણે પરિવર્તન આવી રહ્યું છે.આ મહિલાઓ એવા પરિવારોનું નેતૃત્વ કરે છે જેમની પાસે હવે સ્થિર આવક છે. જેમના બાળકો હવે સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને સમુદાયોનું ઉત્થાન કરી રહ્યા છે.

તાલીમથી લઈને કમાણીનું અસરકારક સંચાલન કરવા અંગે મળે છે માર્ગદર્શન

લખપતિ દીદીની પહેલ હેઠળ, સ્વ-સહાય જૂથોની મહિલાઓને રોપાઓના ઉછેર અને વાવેતરની જવાબદારી સોંપવામાં આવે છે.વન વિભાગ આ મહિલાઓને સીધા તેમના બૅન્ક ખાતામાં ચૂકવણી કરે છે. આ મહિલાઓને નર્સરી સંબંધિત કામગીરી જેમ કે, બીજ વાવણી, કાપણી, ખાતરનો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપન વગેરેમાં તાલીમ આપવામાં આવે છે. તેમને બૅન્કિંગ, અકાઉન્ટિંગ અને નાણાકીય આયોજનમાં પણ મૂળભૂત તાલીમ આપવામાં આવે છે.જે તેમને કમાણીનું અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરે છે. લખપતિ દીદી યોજનાનો સૌથી મોટો પ્રભાવ એ છે કે, તેનાથી મહિલાઓ આત્મવિશ્વાસુ અને આર્થિક સશક્ત બની છે.આ મહિલાઓ હવે ફક્ત ગૃહિણીઓ જ નહીં, પરંતુ ઉદ્યોગસાહસિકો અને તેમના સમુદાયોમાં એક નેતા પણ છે.


  • Follow us on: