બનાસકાંઠાના અંબાજીમાં હાલમાં ભાદરવી પૂનમના મેળાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે પગપાળા અને વ્હીકલોમાં આવી રહ્યા છે. ત્યારે અંબાજીની પાસે આવેલા ત્રિશુળિયાઘાટમાં અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી છે.


રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

અંબાજીના ત્રિશુળિયાઘાટમાં રિક્ષા પલટી ખાઈ ગઈ છે અને જેના કારણે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રિશુળિયાઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા તાત્કાલિક 108 ઈમરજન્સીની ટીમને જાણ કરવામાં આવતા થોડી જ મિનિટોમાં 108 ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં 2 મહિલા અને 2 પુરુષ ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઈન્ટરસેપ્ટર-1 ટીમે બચાવ કામગીરી કરી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાદરવી મહાકુંભમાં ST વિભાગની ઉઘાડી લૂંટ

બીજી તરફ ભાદરવી મહાકુંભ 2025માં એસટી વિભાગ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય દિવસોમાં ગબ્બરનું 3 કિલોમીટરનું ભાડુ 10 રૂપિયા લેવાય છે, જ્યારે ભાદરવી મેળામાં આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર 2 કિમી થાય છે અને 2 કિમીનું ભાડું 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો માટે તંત્ર દ્વારા વિના મૂલ્યે સુવિધાઓ ઉભી કરાઈ છે, ત્યારે એસટી વિભાગે લૂંટવાનું શરૂ કર્યું છે. કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજથી 51 શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિના મૂલ્યે મેળામાં લાવવામાં આવે છે તો પછી માઈ ભક્તો માટે ગબ્બર જવાનું ભાડું કેમ ડબલ કરાયું? 2024 મેળામાં પણ એસટી વિભાગે ડબલ ભાડું કર્યું હતું અને ત્યારબાદ વિવાદ થતા રૂપિયા 5 ભાડું ઘટાડવામાં આવ્યું હતું પણ ભાદરવી મહાકુંભ 2025માં એસટી વિભાગના ટ્રાફિક ઈન્ચાર્જ ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી છે.


  • Follow us on: