અંબાજી ભાદરવી પૂનમના મહાકુંભ મેળા દરમિયાન લાખો માઈ ભક્તો અંબાજી આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ મેળામાં ચાલી રહેલી વ્યવસ્થા અને સુરક્ષાનું નિરીક્ષણ કરવાનો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ પ્રથમ જલિયાણા સેવા કેમ્પ અને સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. જલિયાણા સેવા કેમ્પમાં તેમણે શ્રદ્ધાળુઓ સાથે બેસીને તેમને ભોજન પણ પીરસ્યું હતું. અહીં તેમણે સેવા કેમ્પના આયોજકોનો આભાર માન્યો અને તેમની સેવાને બિરદાવી.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે
ત્યારબાદ તેઓએ મેળાની સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા માટે પોલીસ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધી. અહીં તેમણે મેળાના સમગ્ર વિસ્તાર પર નજર રાખતા 650 સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ મંદિરના પ્રવેશદ્વાર પાસે માઈ ભક્તો સાથે સીધી મુલાકાત કરી અને તેમના હાલચાલ પૂછ્યા. તેમણે ભક્તો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું અને તેમની સાથે બોલ મારી અંબે, જય જય અંબેનો નાદ કર્યો. જે જોઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.













