મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે,આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલા આદિવાસીઓને વડાપ્રધાન મોદીએ ભારતની આ વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે. સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા પણ તેમણે 2011થી ઊભી કરી છે.આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે.
જનજાતિય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.1થી 15મી નવેમ્બર 2025 દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.7 થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-1 ઉમરગામથી એકતાનગર સુધી 665 કિમી અને અંબાજીથી એકતાનગર સુધી 713કિમી એમ કુલ 1378 કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લેતી જનજાતિય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે
યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે. યાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે.
21 મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ મળી
વડાપ્રધાનએ ગુજરાતમાં આદિજાતિઓના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારે 1 લાખ કરોડના પ્રાવધાન સાથે 2025 સુધી લંબાવી છે.પી.એમ. જનમન અભિયાનમાં રાજ્યના આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, આદિમ જૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા 21 મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ મળી છે.તેમણે આદિકર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના 1 લાખ 40 હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 તૈયાર કરવામાં સહભાગી થઈને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેની સરાહના કરી હતી.