અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. ભારે વરસાદના કારણે દરિયા તોફાની બન્યો. ધોધમાર વરસાદથી દરિયામાં ઊંચા મોજા અને કરંટ જોવા મળ્યો છે. ખલાસીઓને લઈ જતી જાફરાબાદ, રાજપરા અને ગીર સોમનાથની એમ કુલ 3 બોટ દરિયામાં ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ત્રણેય બોટમાં કુલ 11 ખલાસીઓ સવાર છે. 3 દિવસ વિતવા છતાં બોટ અને તેમાં સવાર ખલાસીઓની કોઇ ભાળ ના મળતા પરિવાર ચિંતિત થયો છે.
દરિયકાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
ખરાબ વાતાવરણના કારણે દરિયકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. જાફરાબાદ અને રાજપરાના બોટ વાવાઝોડાના કારણે દરિયામાં ડૂબવા લાગી હતી. નેવીના હેલિકોપ્ટર દરિયામાં ફસાયેલ ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોટમાં સવાર 10 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે જાફરાબાદની બે બોટ જયશ્રી તાત્કાલિક,દેવકી,અને ગીર સોમનાથના રાજપરાની મુરલીધર મળી કુલ 3 બોટ દરિયામાં ડૂબી જતા સવાર ખલાસીઓ ગુમ થયા છે. લાપતા ખલાસીઓને શોધવા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
700 જેટલી બોટ બંદર પર પરત ફરી
બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલએ નિવેદન આપ્યું કે અમે આશા રાખીએ છીએ કે 3 બોટ ડૂબી છે. પરંતુ માછીમારો સુરક્ષિત પાછા ફરે તેવી તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 3 બોટ ડૂબતા હજુ 11 ખલાસીઓ લાપતા થતા તેમના પરિવાર પણ ચિંતિત છે. લાપતા માછીમારોને શોધવા પોરબંદરથી કોસ્ટગાર્ડ વિમાન અને 2 કોસ્ટગાર્ડ જહાજ મધ દરિયો ખૂંદી રહ્યું છે. અને હાલમાં ખરાબ વાતાવરણના કારણે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં 700 જેટલી બોટ બંદર પર પરત પહોંચી ગઈ છે. અમેરલીમાં ભારે વરસાદના કારણો લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.