અમરેલીના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં સિંહનું મોત નિપજાવનાર બે આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. ગીરગઢડા તાલુકાના રાવલ નદીમાંથી તા.23/08/2025ના રોજ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વન વિભાગે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. બાતમીના આધારે વન વિભાગની ટીમે નગડિયા ગામના બે આરોપીઓ મુકેશ બળદાણીયા અને કમલેશ કલશરીયાને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓએ ગુનો કબૂલ્યો
આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેમણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના ખેતરમાં મગફળી, કપાસ અને તુવેરના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે વાડીના તાર ફેન્સિંગમાં વીજ પ્રવાહ મૂક્યો હતો. તા.22/08/2025ની રાત્રે આ વીજ પ્રવાહના સંપર્કમાં આવતા એક સિંહનું કરુણ મોત નિપજ્યું હતું. સિંહનું મૃત્યુ થતા બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા. પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેમણે સિંહના મૃતદેહને ટ્રેક્ટરના પાછળના ભાગમાં ભરીને ગીરગઢડા નજીક મહોબતપુરા ગામ પાસેની રાવલ નદીના પુલ પરથી ફેંકી દીધો હતો.
કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
વન વિભાગે બંને આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે તેમના જામીન નામંજૂર કરીને જૂનાગઢ જેલ હવાલે કર્યા છે. આ કિસ્સો ગીર વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વધુ કડક પગલાં લેવાની આવશ્યકતા દર્શાવે છે.