અમરેલીના સાવરકુંડલામાં આવેલા મોટા ભમોદ્રા ગામની સીમ વિસ્તારમાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. જેમાં દીપડાના હુમલામાં એક 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટના મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય શ્રમિક પરિવાર સાથે બની હતી. જેઓ ખેતરમાં કપાસ વીણી રહ્યા હતા. પરિવાર કામમાં વ્યસ્ત હતો ત્યારે એક દીપડો ત્રાટક્યો હતો અને 7 વર્ષની બાળકીને શિકાર બનાવીને ઉઠાવી ગયો હતો.
મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની દીકરીનું કરૂણ મોત
દીપડાએ બાળકીનો શિકાર કરીને તેને મોતને ઘાટ ઉતારતા પરિવાર અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. બાળકીના મૃતદેહનો કબજો લેવા માટે સાવરકુંડલા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ડર ફેલાયો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













