અમરેલીના વડિયા તાલુકાના રામપુરથી સરધારપુર જવાના માર્ગ પર આવેલા આવેલી નદી પરના પુલની તાજેતરમાં કામગીરી કરવામાં આવી છે, આ પુલની કામગીરીનું ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયું છે. પરંતુ આ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જણાઈ રહ્યો છે, સ્થાનિક એક વ્યક્તિએ પ્રથમ પુર આવતા સીસીરોડની નીચેની માટી ધોવાઈ ગઈ છે, જેને લઈને કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્યને રજુઆત કરતો વીડિયો વાઈરલ કર્યો હતો.


યોગ્ય ઢાળ ન આપવાના કારણે વરસાદી પુરમાં માટી ધોવાઈ ગઈ

વાયરલ વીડિયોની પુષ્ટિ કરવા મીડિયા ટીમ રામપુર ગામે પહોંચીને રિયાલિટી ચેક કરી તો પુલ પર જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે, તેમાં તિરાડો પડી ગઈ છે. પુલની બંને બાજુની દીવાલોમાં થિગડા માર્યા હોય તેમ તિરાડો દેખાઈ રહી છે. સીસી રોડ પૂર્ણ થાય ત્યાં યોગ્ય ઢાળ ન આપવાના કારણે વરસાદી પુરમાં માટી ધોવાઈ ગઈ છે. પુલની સાઈડ પર ગ્રીલ લગાવવામાં આવી નથી, જેથી ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. સીસી રોડની સાઈડમાં સિમેન્ટથી ઢાળીયું કરીને વાહન ચાલકોની સલામતીની કોઈ કાળજી લેવામાં આવી નથી.

અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ

આ કામમાં સ્પષ્ટપણે વીડિયોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે, પરંતુ અમરેલીના કોંગ્રેસના આગેવાન જણાવી રહ્યા છે કે આ એક કામ નહીં, પરંતુ જિલ્લામાં તમામ કામો આવી જ રીતે ચાલી રહ્યા છે અને કામગીરીની ગુણવત્તા અત્યંત નબળી થાય છે. કોઈ ફિનિસિંગ પ્રમાણે કામગીરી કરવામાં આવતી નથી કે કોઈ તપાસ કામગીરી યોગ્ય થતી નથી. સ્થાનિક જાગૃત નાગરિકના વાયરલ વીડિયોમાં ઘણી એવી વાતો જે હતી તે સત્ય જણાઈ આવી અને વાયરલ વીડિયોમાં ધારાસભ્યને કામગીરીની તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ રજુઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રજાલક્ષી સુવિધામાં લાખો રૂપિયા સરકાર આપે છે, પરંતુ બેધ્યાન તંત્રના અધિકારીઓની કોઈની કોઈ જગ્યા પર ઢીલ સામે આવી રહી છે, હવે તંત્ર અને ધારાસભ્ય સુધી આ વાત પહોંચશે કે નહીં એ સમય બતાવશે?

  • Follow us on: