ગુજરાતમાં ચોમાસુ અને ત્યાર બાદ થયેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરવા માટે આદેશ કર્યો હતો. તે અંતર્ગત અમરેલી જિલ્લામાં 234 સરકારી કર્મચારીઓ દ્વારા થઈ 86 જેટલી ટીમો બનાવીને જિલ્લાના તમામ 626 ગામમાં કમોસમી વરસાદથી થયેલી ખેતીવાડીને નુકસાનના સરવેની કામગીરી પૂરી કરવામાં આવી છે. જેમાં 5.22 લાખ હેક્ટરમાં સતાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
કમોસમી વરસાદથી 33% નુકસાન થયું
અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જે.કે.કાનાણીએ જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા બે દિવસમાં નુકસાનીનો સર્વે કરીને પાંચ રોજકામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત 626 ગામોમાં કપાસ મગફળી, સોયાબીન ડુંગળી શાકભાજી કઠોળ વગેરેની ખેતીને નુકસાની થઈ છે. આ અસરગ્રસ્ત ગામોમાં સરવે અને પંચ રોજકામની કામગીરી કરી અને અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.અમરેલી જિલ્લા 5.22 લાખ હેક્ટરમાં જુદા જુદા પાકનું વાવેતર થયું હતું તેમાં કમોસમી વરસાદથી 33% નુકસાન થયું છે.













