ગુજરાતમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. વરસાદને કારણે ખેતરમાં ઉભો પાક નાશ પામ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો માવઠાએ છીનવી લીધો છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે શરૂ કરી દીધો છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ખેડૂતોએ પાક નુકસાનીના સરવેનો બહિષ્કાર કરીને સો ટકા નુકસાનીનુ વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત ધારીમાં પણ ખેડૂતોએ ભેગા થઈને દેવુ માફ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.


ખેડૂતોની મુખ્યમંત્રીને પત્ર લખીને દેવુ માફ કરવા રજૂઆત

અમરેલીના ધારીમાં દૂધાળા ગામમાં સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ખેડૂતો ભેગા થયા હતાં. ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને દેવુ માફ કરવા રજૂઆત કરી હતી. 300 જેટલા ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, માવઠાને કારણે થયેલી પાક નુકસાનીનો ડિજિટલ સરવે બંધ કરીને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. જો ટૂંક સમયમાં ખેડૂતોની માગ નહીં સંતોષાય તો સમસ્ત ગ્રામજનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

સાવરકુંડલામાં સરવે કરવા સર્વસંમતિ સધાઈ

બીજી તરફ સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે આજે તાલુકા ભરના સરપંચોની મીટીંગ યોજાઇ હતી. જેની અંદર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ખેતી વિભાગના અધિકારી પણ ઉપસ્થિત હતા.તમામ સરપંચોની સરવેને લઈને કેટલીક સમસ્યાઓને નારાજગી હતી. પરંતુ અંતે સર્વ સંમતિથી સરવે શરૂ કરવાની માંગણી કરવામાં આવી અને આજે બપોર બાદ સાવરકુંડલા તાલુકામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.


  • Follow us on: