ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે.પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.


વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. ખેતરમાં ઉભા પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. રાજુલામાં દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પીપાવાવ પોર્ટ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની અસર વર્તાઈ છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.

ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ

રાજુલામાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જાફરાબાદ રોડ,ગોકુલનગર, છતડિયા, સૂર્યા બંગ્લોઝ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના નુકસાન બાદ રાજુલા પંથકના 72 ગામડાના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો સરકારને સીધી સહાય આપવા માગ કરી છે.

અમરેલીનો ધાતરવડી ડેમ 2 છલકાયો

ભારે વરસાદને કારણે અમરેલીનો ધાતવડી-2 ડેમ છલકાયો છે. ડેમમાં 5400 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યં છે. નીચાણવાળા નદીકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ખાખબાઈ, હિંડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઇ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.


  • Follow us on: