અમરેલી જિલ્લાના બગસરામાં ST બસ ડેપોના કથળેલા વહીવટને કારણે રોજેરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્કૂલેથી છૂટ્યા બાદ રફાળા ગામના વિદ્યાર્થીઓ બસની અનિયમિતતાથી ખૂબ પરેશાન છે. આ અંગેનો એક વીડિયો વાયરલ થતાં ફરી એકવાર બગસરા ST ડેપોનો વહીવટ વિવાદમાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ વ્યક્ત કરેલી ફરિયાદ મુજબ સૌથી મોટી સમસ્યા બસના સમયની છે.


ST ડેપોના કથળેલા વહીવટને લઇ વિદ્યાર્થીઓ પરેશાન

બગસરાથી રફાળા ગામનું અંતર માત્ર 10 કિલોમીટર જેટલું ટૂંકું છે. આ ટૂંકા અંતર માટે પણ વિદ્યાર્થીઓને સાંજે સ્કૂલ છૂટ્યા બાદ બે કલાક જેટલો લાંબો સમય બસની વાટ જોઈને વિતાવવો પડે છે. માત્ર 10 કિલોમીટરના અંતર માટે બસ બે કલાક જેટલી લેટ થતાં વિદ્યાર્થીઓનો કીમતી સમય બગડે છે અને તેમને મુશ્કેલી વેઠવી પડે છે. અગાઉ પણ આ જ કારણોસર ST બસની અનિયમિતતાને લઈને બગસરા શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

સ્કૂલથી છૂટ્યા બાદ રફાળા ગામના વિદ્યાર્થીઓ હેરાન

જોકે આ વિરોધની ST તંત્ર પર કોઈ અસર જોવા મળી નથી. કથળેલો વહીવટ યથાવત્ રહેતા રોજેરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બસના સમયનું પાલન કરાવવામાં આવે અને વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


  • Follow us on: