અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ કુંભારિયા ગામે એક યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. આ યુવતી દેવકા ગામની માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી. રાજુલાના કુંભારિયા ગામમાં આ બનાવ બન્યો હતો. મૃતક યુવતી માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની રહેવાસી હતી. તે દેવકા માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી અને વર્ષ 2024માં નોકરીમાં જોડાઈ હતી.


યુવતીના આપઘાત પાછળનું કારણ અકબંધ

મોડી રાત્રે યુવતીએ પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ગામના સરપંચ દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડુંગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મકાનનો દરવાજો તોડીને યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને રાજુલા પી.એમ. માટે ખસેડ્યો હતો. યુવતીએ કયા કારણોસર આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.

યુવતીના આપધાતને લઈ પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીના અંગત જીવન, નોકરી અને અન્ય સંભવિત પાસાંઓ વિશેની માહિતી મેળવવામાં આવી રહી છે, જેથી આપઘાતનું સાચું કારણ જાણી શકાય. પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: