અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શરૂઆતમાં સારો વરસાદ થવાથી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી વરસાદ ન આવતા પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. ખેતરોમાં પાણીની અછતને કારણે મગફળીના પાકમાં સુકારો આવવા લાગ્યો છે, જેના કારણે ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે.
પાણીની અછત અને વીજળીની સમસ્યા બેવડી મુશ્કેલી
લાઠી તાલુકાના રામપર સહિતના ગામોમાં ખેડૂતોએ વાવેતર કર્યા બાદ હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પાણીની અછતને કારણે જમીનમાં તિરાડો પડી ગઈ છે અને પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ, વીજળીની અનિયમિતતા પણ ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. 10 કલાક વીજળી મળતી હોવા છતાં ફીડરમાં વારંવાર ફોલ્ટ થવાને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહી નથી, જેનાથી સિંચાઈનું કામ પણ ખોરવાઈ ગયું છે. ખેડૂતોએ PGVCL ની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.
કપાસ અને મગફળીનો પાક જોખમમાં
રામપર ગામના ખેડૂતોનો કપાસ અને મગફળીનો પાક હાલ જોખમમાં છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો પાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે. ખેડૂતો આશાભરી નજરે આકાશ તરફ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે જલ્દી વરસાદ આવે અને તેમનો પાક બચી જાય.