અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ-રસ્તાઓ અંગેની સતત ઉઠતી ફરિયાદોને કારણે વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓ આખરે એક્શન મોડમાં આવ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન વાહનવ્યવહાર વધવાનો હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ-રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.


રાજુલા-બાદડા હાઇવેનું અધિકારીઓ સાથે નિરીક્ષણ

લોકોની ફરિયાદોને ગંભીરતાથી લઈને સાંસદ ભરત સુતરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અધિકારીઓ સાથે તાત્કાલિક નિરીક્ષણ માટે મેદાનમાં ઉતર્યા હતા. બંને નેતાઓએ રાજુલા - હિંડોરણા - બાદડા સ્ટેટ હાઇવે સહિતના મુખ્ય માર્ગોનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ હાઇવે અતિ બિસ્માર હાલતમાં હતો. જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન હતા.

દિવાળી પહેલા તમામ બિસ્માર રોડનું પેચવર્ક

નિરીક્ષણ બાદ તાત્કાલિક અસરથી બિસ્માર રોડ પર પેચવર્કનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બાદડાથી અમરેલી નેશનલ હાઇવે પર પણ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. નેતાઓએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દિવાળીના પર્વ પહેલા જિલ્લાના મોટાભાગના તમામ બિસ્માર રોડનું પેચવર્ક પૂર્ણ કરી દેવામાં આવે. તાત્કાલિક અસરથી શરૂ થયેલા પેચવર્કના કામથી વાહનચાલકોને મહદઅંશે રાહત મળી છે. નેતાઓ અને તંત્રની આ હરકતથી આશા જાગી છે કે તહેવારો પહેલા મુસાફરી સરળ બની શકશે.


  • Follow us on: