અમરેલીના સાવરકુંડલામાં રાજ્યના GST વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે સ્થાનિક વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. GST વિભાગની 11 જેટલી ટીમો દ્વારા સાવરકુંડલાના વિવિધ મુખ્ય વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશનમાં મુખ્યત્વે આંગડિયા પેઢીઓ અને ફાઇનાન્સનું કામ કરતી કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે.
આંગડીયા પેઢી, ફાઇનાન્સ કંપનીઓ પર દરોડા
જીએસટી વિભાગની ટીમો દ્વારા શહેરના મેઇન બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ જેવા વ્યસ્ત વ્યાપારી વિસ્તારોમાં આવેલી પેઢીઓ પર સઘન તપાસ ચાલી રહી છે. આ દરોડામાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરના જીએસટી અધિકારીઓની ટીમો પણ જોડાઈ છે. જે સૂચવે છે કે આ કાર્યવાહી મોટા પાયે આયોજિત કરવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે આંગડિયા પેઢીઓ અને ફાઇનાન્સ કંપનીઓના ચોપડા, દસ્તાવેજો અને વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.













