અમરેલીના લીલીયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શહેરની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદની તોફાની બેટિંગના કારણે લીલીયા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદથી લીલીયાના રસ્તા પાણી પાણી
નાવલી નદીમાં પૂર આવતા નદી કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નાવલી બજારના વ્યાપારીઓ અને અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડી હતી. ભારે વરસાદના પરિણામે લીલીયાના સ્થાનિક તળાવો છલોછલ ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થયા છે. જે ખેડૂતો અને સ્થાનિકો માટે ખુશીના સમાચાર છે. જોકે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પર અસર થઈ હતી.













