અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. લાંબા સમયનો વિરામ લીધા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં નદી-નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતો અને ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી. આ ભારે વરસાદને કારણે વિસ્તારની મુખ્ય નદીઓમાં પાણીની આવક વધી છે. ખાસ કરીને ગોરડિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે.


અમરેલીમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા

નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તા પરથી પણ પાણી વહેવા લાગ્યા હતા. જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી. જોકે આ દૃશ્યને માણવા માટે ઘણા લોકો નદી કિનારે પહોંચ્યા હતા. ધારી ગીર વિસ્તારમાં આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ વરસાદથી તેમના પાકને નવજીવન મળ્યું છે.

નદીમાં ઘોડાપૂર આવતા રસ્તા પાણી વહ્યા

આ વરસાદથી કપાસ, મગફળી અને અન્ય પાકોને સારો વિકાસ મળશે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે. આમ ધારી ગીર પંથકમાં આવેલો આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જોકે નદીઓમાં ઘોડાપૂર આવતા તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: