અમરેલી સ્થિત વી.એન. વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે. સદા ચાર વર્ષના અભ્યાસ અને એક વર્ષની ઇન્ટરશિપ પૂર્ણ કર્યા બાદ પણ તેમને રજિસ્ટ્રેશન નંબર ન મળતા આજે વિદ્યાર્થીઓએ કોલેજમાં ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી યુનિવર્સિટી અને કોલેજના ધક્કા ખાઈ રહેલા વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા તેમણે રામધૂન બોલાવી હતી જે દરમિયાન વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થયા માહોલ ગરમાયો હતો.
વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી
વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમારી ડિગ્રી પણ આવી ગઈ છે પરંતુ જ્યાં સુધી રજિસ્ટ્રેશન નંબર નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ જગ્યાએ નોકરી કરી શકતા નથી કે પોતાનું ક્લિનિક ખોલી શકતા નથી. આજે અમે બેરોજગાર રીતે જીવી રહ્યા છીએ. અમારા દ્વારા કોલેજમાં ત્રણથી ચાર વખત રજૂઆતો કરવા છતાં અમને કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે પ્રોસેસમાં છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયની ગુહાર લગાવવામાં આવી રહી છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બની શકે.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
બીજી તરફ, કોલેજના ટ્રસ્ટીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળવાના હોય છે તેમાં થોડુંક મોડું થયું છે. આ માટે લીગલ પ્રોસિજર અમારા તરફથી અને યુનિવર્સિટી તરફથી પણ ચાલુ છે. અમે તેના કાગળો પણ વિદ્યાર્થીઓને બતાવ્યા છે અને હજુ બધું બતાવવા તૈયાર છીએ. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન નંબર ટૂંક સમયમાં આવી જાય તેવો અમારો પ્રયાસ છે. લીગલ પ્રોસિજરના કારણે બાળકોનું ભવિષ્ય બગડ્યું છે પરંતુ અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ થાય અને તેમને રજિસ્ટ્રેશન નંબર મળી જાય.