અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને કોઝવે પર પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને સમઢિયાળા-1થી ચાંચબંદર તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં ચાંચબંદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સવારથી જ આ કોઝવેની બંને તરફ અનેક વાહનો અને મુસાફરો અટવાયા હતા.


સમઢિયાળાથી ચાંચબંદર જવાના રસ્તા પર પાણી

શાકભાજીના ટેમ્પાથી લઈને મુસાફરોને લઈ જતી ગાડીઓ પાણી ઉતરવાની રાહ જોઈ રહી હતી. આ પરિસ્થિતિને કારણે ખેરા, પટવા અને ચાંચબંદર ગામ એકબીજાથી વિખુટા પડી ગયા છે. આ સમસ્યા છેલ્લા 15 વર્ષથી અસ્તિત્વમાં છે. સમઢીયાળા-1 ગામ નજીક આવેલા બંધારાનું પાણી કોઝવે પર આવી જવાથી દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે. આ અગવડને કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

સવારથી કોઝવેની બન્ને તરફ વાહનો અટવાયા

તાજેતરમાં પટવા ગામના એક દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડતા તેને જેસીબીની મદદથી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના દર્શાવે છે કે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કેટલી ગંભીર છે. વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: