કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો.


સફાઈ કર્મીઓનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, હલાણી પરિવારના ચેરમેન રાજુભાઈ હાલાણી, આણંદના નાયબ પોલીસ અધિક્ષક જે એન. પંચાલ, પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી દ્વારા 250 જેટલા સફાઈ કર્મીઓનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

સફાઈ કર્મીઓ નગરને સ્વચ્છ રાખે છે

આ ઉપરાંત કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ રાખવામાં જેમની અગત્યની ભૂમિકા છે તેવા સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ વિભાકર રાવ, ઝોનલ ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝરનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરનાર એજન્સીના પ્રતિનિધીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અન્ન અને પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે આ નગરને સ્વચ્છ રાખવામાં જેની અગ્ર ભૂમિકા છે તેવા કર્મીઓનું સન્માન કરવું એ ખૂબ જ સારી વાત છે, સફાઈ કર્મીઓ નગરને સ્વચ્છ રાખે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું મિશન સફળ થાય છે તેમ જણાવી સફાઈ કર્મીઓને હંમેશા નગરને સ્વચ્છ અને સુંદર રાખે તેવો અનુરોધ કર્યો હતો.

સફાઈ કામદારો માટે ખૂબ જ યાદગાર દિવસ

નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલે સફાઈના સૈનિકોને સન્માનનો કાર્યક્રમ તે સફાઈ કામદારો માટે ખૂબ જ યાદગાર દિવસ બની રહેશે તેમ જણાવી સફાઈ કર્મીઓ ખરેખર સન્માન ના હકદાર છે તેમ જણાવ્યું હતું અને વડાપ્રધાનના સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનનાર સફાઈ કર્મીઓને શુભેચ્છા પાઠવી હતી. હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાજુભાઈ હાલાણીએ સમાજ માટે જીવન આપનાર શહેરને સ્વચ્છ રાખનાર તમામ સફાઈ કર્મીઓને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Suratના અમરોલીમાં ધોરણ 6ની વિદ્યાર્થિનીની છેડતી કરનાર નરાધમોને પોલીસે ભણાવ્યો પાઠ


  • Follow us on: