આણંદના ઉમરેઠ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે તેની સાથે સવાર મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. આ અકસ્માત ઉમરેઠના લીગડા અને આશીપુરા ગામ વચ્ચેના માર્ગ પર સર્જાયો હતો. લીગડા-આશીપુરા માર્ગ પર એક ફોર વ્હીલર કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


લીગડા આશીપુરા વચ્ચે થયો અકસ્માત

બાઇક પર સવાર મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તરત જ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ફોર વ્હીલર કારના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાઇ

પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, કારચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે સ્થાનિક પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.


  • Follow us on: