આણંદના ચિખોદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસકર્મીઓના પુત્રો અને તેમના મિત્રોએ એક યુવાનને જુની અદાવતમાં રસ્તા વચ્ચે રોકીને બેફામ માર માર્યો છે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જે બનાવ અંગે યુવકના પિતાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે લેખીત ફરીયાદ આપી છે.


શારીરિક હુમલો કરી પટ્ટા વડે બેફામ માર મારવામાં આવ્યો

ત્રણોલ ગામના યુવાન મિતેષ પરમાર તેના મિત્ર સાથે બાઈક લઈને ત્રણોલથી આણંદ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ચિખોદરા નજીક પોલીસપુત્રો દિવ્યેશ અને ભાવિન સોઢા દ્વારા બાઈક રોકીને શારીરિક હુમલો કરી પટ્ટા વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. પોલીસ પુત્રોએ હુમલો કરતા પહેલા પોતાના પિતા જયદીપ સોઢા જે આણંદ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવે છે સાથે વીડિયો કોલ પણ કર્યો હતો. વીડિયો કોલ દરમિયાન પિતા દ્વારા યુવાનને પતાવી દેવાની વાત કરવાની આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત યુવાન મિતેષ પરમારને સારવાર માટે ખસેડાયો

આ નિવેદન કાયદાના રક્ષક તરફથી આવતા પરિવારમાં રોષ અને ફફડાટનું કારણ બન્યું છે. ઇજાગ્રસ્ત યુવાન મિતેષ પરમારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.તેમના પરિવારના લોકો યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.ખાસ કરીને માર મારનાર પોલીસ પુત્રો હોવાના કારણે.આણંદ રૂરલ પોલીસે માત્ર અરજી લઈ તપાસ શરૂ કરી છે.પરંતુ કહેવામાં આવ્યું છે કે પોલીસ પુત્રોને બચાવવા માટે ક્રોસ અરજી પણ દાખલ કરવામાં આવી છે.હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ પુત્રો સામે ગુનો નોંધવાની માંગ ઉઠી છે.


  • Follow us on: