ગુજરાતમાં દૂધની ક્વોલિટી અંગેના અનેક બનાવો સામી આવી ચૂક્યા છે. ત્યારે અમૂલ દ્વારા આણંદના બેડવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન 10 જેટલા સભાસદો દ્વારા જે દૂધ ભરાવવામાં આવ્યું હતું તેમાં ભેળસેળ અને અમાન્ય દૂધ હોવાનું જાણવા મળ્યું હતું. આ મુદ્દે આજે અન્ય સભાસદો દ્વારા દૂધ મંડળીમાં હોબાળો કરી ભેળસેળ વાળુ દૂધ ભરાવનાર સભાસદો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી.


દૈનિક સાડા નવ હજાર લિટર દૂધ અમૂલમાં પહોંચાડવામાં આવે છે

આણંદની બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમૂલ દ્વારા દૂધની આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં મંડળીના 10 જેટલા સભાસદોએ ભરાવેલુ દૂધ અમાન્ય અને ભેળસેળવાળુ જણાઈ આવ્યું હતું. જેથી આજે પશુપાલક સભાસદોએ દૂધ મંડળીમાં હોબાળો કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. પશુપાલક સભાસદોએ ભેળસેળવાળુ દૂધ જમા કરાવનાર સભાસદો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. બેડવા દૂધ મંડળીમાં દૈનિક સાડા નવ હજાર લિટર દૂધ એકત્ર કરી અમૂલમાં પહોંચાડવામાં આવે છે.

10 સભાસદોનું દૂધ મંડળીમાં સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું

પાવડરમાંથી ભેળસેળ વાળું અસામાન્ય દૂધ જમા કરાવનાર 10 સભાસદોનું દૂધ મંડળીમાં સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.સંઘના નિયમ અનુસાર 1 એપ્રિલ થી 3 જુલાઈ દરમિયાન મંડળીમાં ભરવામાં આવેલ દૂધ પૈકી પ્રતિ લિટર 2.50 રૂપિયાનો દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સભાસદોએ દૂધમંડળીમાં હોબાળો કરી ભેળસેળ વાળું દૂધ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

  • Follow us on: