આણંદ જિલ્લા પોલીસ વિભાગમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ એસઓજી ના તત્કાલિન ઇન્ચાર્જ પીઆઈ અને હાલ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા બી.એમ.માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ રેન્જ આઈજીપી દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી બદલ આ કડક સસ્પેન્શનનો ઓર્ડર કરવામાં આવતા જ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
આરોપીની અટકાયત કરવામાં આવી હતી
મળતી વિગતો અનુસાર, આ સમગ્ર કાનૂની કાર્યવાહી ગત 6 જૂનના રોજ આણંદ એસઓજી કચેરી ખાતે બનેલી એક ગંભીર ઘટનાને પગલે કરવામાં આવી છે. છેતરપિંડીના એક કેસમાં પોલીસ દ્વારા ખડા ગામના રહેવાસી જયેશ ઉર્ફે જયેન્દ્ર પટેલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને તેને પૂછપરછ માટે એસઓજી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
ઝેરી ટીકડીઓ ગળી જઈને કચેરીમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
પૂછપરછ દરમિયાન પોલીસ કચેરીની કડક સુરક્ષા વચ્ચે પણ આરોપી જયેશે અચાનક કોઈ ઝેરી ટીકડીઓ ગળી જઈને કચેરીમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્યંત ગંભીરતાથી લીધી
પોલીસ કચેરીની અંદર જ આરોપી દ્વારા ઝેર ગટગટાવી લેવાની આ ઘટનાને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. સરકારી કચેરીમાં અને પોલીસ સ્ટાફની હાજરીમાં આરોપી આવું પગલું ભરે તે સુરક્ષા અને ફરજમાં મોટી ક્ષતિ દર્શાવે છે. જે તે સમયે બી.એમ.માળી એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ પર હતા અને તેમની સીધી દેખરેખ હેઠળ જ આ બેદરકારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
પીઆઈ બી.એમ.માળી સામે સસ્પેન્શનનું હથિયાર
આ ઘટનાના રાજ્ય પોલીસ બેડા સુધી ઘેરા પ્રત્યાઘાતો પડતા અમદાવાદ રેન્જ આઈજીપીએ કાયદો અને વ્યવસ્થા તેમજ ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવવા બદલ પીઆઈ બી.એમ.માળી સામે સસ્પેન્શનનું હથિયાર ઉગામ્યું છે. આ કડક પગલા બાદ પોલીસ કચેરીઓમાં પૂછપરછ દરમિયાન આરોપીઓની સુરક્ષા અને વહીવટી પ્રોટોકોલને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર