આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થયું છે, જિલ્લામાં ડાંગર, શાકભાજી અને તમાકુ સહિતનો પાક પલળી જતા ખેડૂતોને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. 4 મહિનાની મહેનત એક જ દિવસમાં ધોવાઈ જતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.


તમાકુના પાકને મોટું નુકસાન પહોંચ્યું

આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં 60,000 હેકટરથી વધારે ડાંગરનો પાક કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગની ડાંગર તૈયાર થઈ ગઈ હતી, ત્યારે જ આવેલા કમોસમી વરસાદે ખેતી પાકોને નષ્ટ કરી દીધા છે. ડાંગરની સાથે સાથે આણંદ જિલ્લાના મહી ભાઠા વિસ્તારમાં કરવામાં આવતા તમાકુના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. બોરસદ તાલુકાના મહી નદી કિનારે ભાઠા વિસ્તારમાં તમાકુનો પાક કરવામાં આવે છે. જે એક નંબરની તમાકુ હોય છે અને તેનો ભાવ સૌથી વધુ આવતો હોય છે.

આ વખતે તમાકુના ઉત્પાદનમાં થશે ઘટાડો

છેલ્લા ત્રણ માસથી ખેડૂતોએ અહીંયા મહેનત કરીને તમાકુનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે તમાકુનો પાક પલળી જતા તમાકુનો કસ ધોવાઈ ગયો છે, જેના કારણે આ વર્ષે તમાકુના ભાવ ખૂબ ઓછા મળશે તેમજ કમોસમી વરસાદના કારણે ઉત્પાદન પણ ઓછું થશે. ત્યારે તમાકુના પાક પર જ ખેડૂતો સારા નરસા પ્રસંગોનો આધાર રાખતા હોય છે, તમાકુના સારા ભાવ મળશે અને વધુ ઉત્પાદન થશે તેવી આશા સાથે ખેડૂતો ઘરના પ્રસંગોની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. 

  • Follow us on: