આણંદ જિલ્લાના લાંભવેલ ગામ નજીક આજે મોડી સાંજે એક મોટી અને ભીષણ આગની ઘટના બની છે. લાંભવેલ પાસે આવેલા સંકેત ઇન્ડિયા નામના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગોડાઉનમાં મુખ્યત્વે ફ્રીઝ, ટીવી સહિતના હોમ એપ્લાયન્સિસનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં જ ગોડાઉનમાં રહેલો કરોડો રૂપિયાનો કિંમતી જથ્થો આગની લપેટમાં આવી ગયો અને બળીને ખાક થઈ ગયો હતો.


ફ્રીઝ, ટીવીનો જથ્થો આગમાં બળીને ખાખ

આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા નીકળતા હતા. જેના કારણે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી ત્રણ ફાયર ફાઇટર્સની મદદ લેવામાં આવી હતી અને જવાનોએ આગને કાબૂમાં લેવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ફાઇટર્સ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ થયા હતા.

ફાયર ટીમના આગને કાબૂમાં લેવા પ્રયાસ

આ ઘટનાની ગંભીરતાને જોતાં આણંદ રૂરલ પોલીસ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: