આણંદ પંથકમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા લોકોની નજર ચૂકવીને ચોરી કરતી એક કુખ્યાત ગેંગના બે સભ્યોને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આ તસ્કરોએ તાજેતરમાં એક ખેડૂતને રિક્ષામાં બેસાડીને રોકડ રકમની ચોરી કરી હતી. થોડા સમય પહેલાં બોરસદ ચોકડી નજીક આ તસ્કરોએ એક ખેડૂતને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા અને તેમની નજર ચૂકવીને રૂ.50 હજાર રોકડાની ચોરી કરી લીધી હતી.
પેટલાદના બે કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા
આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. એલસીબી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા પેટલાદના બે કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ છે: જલાલ ઉર્ફે માંકડો અને જીયાઉદ્દીન. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા અને ચોરી કરેલી રોકડ રકમ સહિત કુલ રૂ.1.50 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.













