ભરૂચમાં મનરેગા કૌભાંડ બાદ હવે અંકલેશ્વરમાંથી મોટું શૌચાલય કૌભાંડ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ કૌભાંડમાં લગ્ન નોંધણી માટે તેમજ અન્ય કામકાજ માટે જમા કરાવવામાં આવેલાં આધારકાર્ડનો ઉપયોગ કરીને લોકોને શૌચાલય યોજનાના લાભાર્થી બનાવી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ આરટીઆઈમાં થયો હતો. શૌચાલયનો લાભ નહિ લેનાર લોકોએ આધારકાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરનાર લોકો સામે કલેકટર પાસે અને જિલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આવી કામગીરી કરનાર બેદરકારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
તંત્રના ચોપડે 1906 શૌચાલય બનાવ્યાંનો ઉલ્લેખ
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અને સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવવામાં આવેલ શૌચાલયમાં લાભાર્થીઓના નામોની યાદી બનાવી ગણ્યા ગાંઠયા શૌચાલય બનાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા અંકલેશ્વરના આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવિણભાઈ મોદી દ્વારા આરટીઆઈ કરવામાં આવતા મોટા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.જેમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કુલ રૂપિયા 1.62 કરોડના ખર્ચે 1906 શૌચાલય બનાવ્યાં હોવાનું દસ્તાવેજો પર દર્શાવવામાં આવ્યું છે.
માત્ર 200થી 300 જેટલા જ શૌચાલય બન્યાં હોવાનો દાવો
જોકે જાગૃત નાગરિકો અને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ દસ્તાવેજી માહિતી પૈકી 80 ટકા જેટલી કામગીરી વાસ્તવિક રીતે થઈ જ નથી. હકીકતમાં કાગળ પર દર્શાવવામાં આવેલા 1906 શૌચાલયોમાંથી માત્ર 200થી 300 જેટલા જ શૌચાલય બન્યાં છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આ આક્ષેપથી સ્પષ્ટ થાય છે કે આ ભંડોળનો મોટા પાયે દુરુપયોગ થતો આવ્યો છે. સરકારી યોજનાના નામે લાખો રૂપિયાનો ગોટાળો આચરવામાં આવ્યો હશે તેવા એંધાણ છે. જેની અરજદારો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
શૌચાલય યોજનાના લાભાર્થીઓ મોટા મોટા બંગલાઓ અને મકાનોમા રહતા હશે?
અંદાજે 2015ની આસપાસ અંકલેશ્વર નગરપાલિકામાં જે લોકોએ લગ્ન નોંધણી અથવા તો અન્ય કામકાજ માટે પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા, તેમનાં આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી દર્શાવી દેવામાં આવ્યા હતા. સંદેશ ન્યુઝ આ લાભાર્થીઓને ત્યાં પહોંચ્યું હતું અને ત્યાં તપાસ કરતા શૌચાલય મળ્યા ન હતા પરંતુ તેઓના મોટા મોટા બાંગલા, મકાનો અને એપાર્ટમેન્ટ જોવા મળ્યા હતા. જ્યાં પહેલાથી જ તેઓએ શૌચાલયો બનેલા હતા.
લગભગ 10 વર્ષ બાદ આ ગોબાચારીનો પરપોટો ફૂટ્યો
લાભાર્થીઓનું કહેવું છે કે તેમને જાણ થઈ કે તેમના ડોકયુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તેમના લગ્નના સર્ટિફિકેટ માટે જે-તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો હતો. લગભગ 10 વર્ષ બાદ આ ગોબાચારીનો પરપોટો ફૂટ્યો છે. આ કૌભાંડમાં એક જ પરિવારના 9 થી વધુ લોકો અને કુટુંબીજનોના 32થી વધુ સભ્યના નામે પણ શૌચાલય બાંધવામાં આવ્યાં હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતો. જે દર્શાવે છે કે આ એક વ્યાપક અને આયોજનબદ્ધ કૌભાંડ હોઈ શકે છે અને આ કૌભાંડની તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.