અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળીના તહેવારો નજીક હોવા છતાં ખેડૂતોને જરૂરી ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. આના કારણે તહેવારની તૈયારીઓ વચ્ચે પણ ખેડૂતોની દોડધામ યથાવત રહી છે. મેઘરજ વિસ્તારના ખાતર વિતરણ કેન્દ્રો પર ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ગોઠવાઈ જાય છે.


દીવાળીના તહેવારમાં ખાતર માટે ખેડૂતોની દોડધામ

ખાતરનો પૂરતો જથ્થો ન મળતો હોવાના કારણે અથવા વિતરણમાં વિલંબ થતો હોવાના કારણે ખેડૂતોને સવારથી બપોર સુધી લાંબો સમય ઊભા રહીને પોતાની વારીની રાહ જોવી પડે છે. આ લાઈનોમાં માત્ર યુવાન ખેડૂતો જ નહીં પરંતુ મહિલાઓ અને વૃદ્ધ ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. બપોર સુધી ઊભા રહીને પણ ખેડૂતો પોતાની ખેતી માટે જરૂરી ખાતર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીના સમયે લોકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હોય છે.

મહિલાઓ અને વૃદ્ધાઓ પણ લાગ્યા લાઇનમાં

પરંતુ મેઘરજના ખેડૂતોને તેમના પાક માટે જરૂરી ખાતરની અછત કે વિતરણમાં ગેરવ્યવસ્થાનો ભોગ બનવું પડ્યું છે. સમયસર ખાતર ન મળવાના કારણે તેમના આગામી પાક પર અસર થવાનો ભય રહે છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થા સુધારીને ખેડૂતોને પડતી આ હાલાકી દૂર કરવામાં આવે.


  • Follow us on: