અરવલ્લીના ધનસુરા તાલુકામાં એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક નીચે કામ કરી રહેલા ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ધનસુરા-શિકા રોડ પર આવેલી ગોકુલ હોટલ નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક ડ્રાઇવર ટ્રક ચાલુ ન થતાં તેને રિપેર કરવા માટે ટ્રક નીચે સૂતા હતા. તેમણે ડાયરેક્ટ સેલ દ્વારા ટ્રક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો.


ધનસુરાના શિકા પાસે સર્જાઈ હતી દુર્ઘટના

આ પ્રયાસ દરમિયાન અચાનક ટ્રક ચાલુ થઈ ગઈ હતી અને તે આગળ ધપી હતી. ડ્રાઇવર ટ્રક નીચે હોવાથી, તે ટ્રકના વ્હીલ નીચે કચડાઈ ગયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આ ગંભીર અકસ્માતની પળ કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રક અચાનક ચાલુ થઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી.

અચાનક ટ્રક ચાલુ થઈ જતા ડ્રાઈવરનું મોત

ઘટનાની જાણ થતાં જ ધનસુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક ડાયરેક્ટ સેલથી ચાલુ કરવાની જોખમી પ્રક્રિયા દરમિયાન સર્જાયેલા આ અકસ્માતે ભારે ચકચાર જગાવી છે અને ભારે વાહનોના ડ્રાઇવરો માટે સલામતીના નિયમોનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે તે ફરી એકવાર સાબિત કર્યું છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: