અરવલ્લીના ધનસુરામાં થોડા સમય પહેલા નવરાત્રિના તહેવાર દરમિયાન એક ફાર્મ હાઉસમાં થયેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં મોટી સફળતા મળી છે. જ્યાં તેમણે લૂંટ કરનારા છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધનસુરાના એક ફાર્મ હાઉસમાં નવરાત્રિના સમયે લૂંટારુઓએ ઘૂસીને આશરે 3 લાખ રૂપિયાની રોકડ અને અન્ય કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વડાગામમાં રહેતા લૂંટના 6 આરોપીઓ ઝડપાયા
LCBની ટીમે ગુપ્ત માહિતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ લૂંટમાં સંડોવાયેલા વડાગામના રહેવાસી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રકમ અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા તમામ 6 આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.













