બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ બંધ થયા બાદ પણ ડિસા સહિત અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી. વરસાદના વિરામ બાદ પણ રેલવે ગરનાળું હજુ પણ પાણીમાં ગરકાવ થયેલું છે. આ રેલ્વે ગરનાળામાં ભરાયેલ પાણીના કારણે ડીસાના જેનાલ - નાણી ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


 રેલ્વે ગરનાળું પાણીમાં ગરકાવ

રાજ્યમાં ફરી પાછા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બનાસકાંઠામાં બે દિવસ પહેલા ભારે વરસાદનું જોર જોવા મળ્યું હતું. વડગામમાં ફક્ત 7 કલાકની અંદર 9 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ડિસામાં પણ અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. જો કે હાલમાં બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ વરસ્યાને ત્રણ ત્રણ દિવસ વીત્યા છતાં ડીસાના જેનાલ - નાણી ગામ વચ્ચેનો સંપર્ક ડૂલ છે. બંને ગામો બચે આવેલા રેલ્વે ગરનાળામાં હજુ પણ ગળાડૂબ પાણી છે.

ખેડૂતોની વધી ચિંતા

ગરનાળાના પાણીનો નિકાલ ન થતા બંને ગામો સંપર્ક વિહોણા થતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે તંત્ર જાહેરાતો કરી જ્યાંત્યાં કામગીરી કરે છે. તંત્ર દ્વારા ગરનાળું તો બનાવી દેવામાં આવ્યું પરંતુ તેમાંથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જ્યાં સુધી પાણીનો નિકાલ નહી તો અમે કેવી રીતે અમારા કામ કરીશું. જેનાલ ગામના ખેતરો પણ નાણી તરફ આવેલા હોવાથી ખેડૂતોને તેમના પાકને લઈને ચિંતા વધી છે. 


  • Follow us on: