બનાસકાંઠામાં ચોમાસાનો સારો વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદનું જોર રહેતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. અત્યારે વરસાદે વિરામ લીધા બાદ પણ રસ્તાઓ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ભાભરમાં તંત્રના પાપે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. કિચડવાળા રસ્તાઓમાં અનેક વખત વાહનો ફસાઇ જવાના કિસ્સા પણ બને છે. વરસાદી પાણીનો નિકાલ ના થતા ભાભર તાલુકાના બુરેઠાથી દેવ જવા માટે લોકોએ કાદવકીચડવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે. 


વરસાદથી લોકોને હાલાકી

આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે દરવર્ષે ચોમાસુ આવે એટલે અહીં આ જ સ્થિતિ જોવા મળે છે. છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચોમાસામાં વરસાદ આવતા જ આ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ ના થતા કાદવ કિચડ થઈ જાય છે. એકગામથી બીજા ગામ જવા આ રસ્તાનો વધુ ઉપયોગ થાય છે. આ રસ્તામાં કાદવકીચડ થતાં સ્કૂલે જતાં વિધાર્થીઓ,બિમાર દર્દીઓ, ખેડૂતો સહિત પશુ પાલકો તેમજ વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યાં છે.

તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ

ભાભર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. એકબાજુ વરસાદ અને બીજી બાજુ રસ્તાઓ પર કાદવ કીચડ. લોકોમાં તંત્રની પાણીના નિકાલને કોઈ વ્યવસ્થા ના કરાતા રોષ જોવા મળ્યો. તંત્રની કામગીરીથી નારાજ એક સ્થાનિકે કહ્યું કે અમે ભારતમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં એ જ અમને ખબર પડતી નથી. સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ છેવાડાના નાગરિકોને જરૂરિયાતી સુવિધા પણ પૂરી પાડતી નથી. આ રસ્તાની સમસ્યા દસ વર્ષથી છે. રસ્તાની સમસ્યાને લઈ અમે પાકો રોડ બનાવવા વિસ્તારના રાજકીય આગેવાનો સહિત તંત્રને વારંવાર રજૂઆતો કરી છે છતાં આ રસ્તા બનાવાનુ કામ ન થતાં ચોમાસામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

  • Follow us on: