ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધડબડાટી બોલાવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં અનરાધાર વરસાદને કારણે અનેક ગામો જળબંબાકાર બન્યા છે. ડીસા શહેરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ વધુ દયનીય બની છે.


ડીસાના દામા,શેરપુરા,કંસારી ગામે ભરાયા પાણી

મળતી જાણકારી અનુસાર, ડીસા તાલુકાના દામા, શેરપુરા અને કંસારી જેવા ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત બાઈવાડા અને યાવરપુરા સહિતના અન્ય ગામોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉભા પાક પાણીમાં ગરકાવ થઇ જતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મોંઘા બિયારણ અને ખતરનો ખર્ચ કર્યા પછી પાક ગુમાવવાનો વારો આવે તો આર્થિક રીતે મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

રામપુરા ગામે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

ડીસા તાલુકાના રામપુરા ગમે તો પરિસ્થતિ વધુ ગંભીર બની છે. અહીં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. અચાનક ઘરોમાં પાણી આવતાં ઘરવખરીનો સામાન, અનાજ અને અન્ય કીમતી વસ્તુઓ પલળી ગઈ છે. રામપુરાના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસવાની ફરજ પડી છે જ્યારે અનેક લોકો પોતાના ઘરમાં ફસાયેલા છે. વરસાદનું જોર ઘટ્યા બાદ જ પાણીનો નિકાલ થઇ શકશે અને નુકસાનનો સાચો અંદાજ લગાવી શકાશે.


  • Follow us on: