બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા રાહત કામગીરી વધુ ગતિશીલ બની છે. પૂરથી પ્રભાવિત અને પોતાના ઘર-વખરી ગુમાવનાર પરિવારોને તાત્કાલિક રાહતરૂપે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.


બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૧૮,૦૦૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે

જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની ટીમો દ્વારા ઘરઆંગણે જઈને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત સરકાર તથા બનાસ ડેરીના સહયોગથી પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત પેટે ફૂડ પેકેટ કુલ ૩,૬૩,૪૩૩, પાણીની બોટલ કુલ ૩,૯૦,૦૦૦ તથા કુલ ૧૮,૦૦૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર સંવેદનશીલ બની કામ કરી રહ્યું છે

વિતરિત થતી રાશન કીટમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, ચણા, મીઠું, બાજરી તથા તેલના પાઉચ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોને જીવનની મૂળભૂત જરૂરિયાતો સમયસર મળતી થાય તે માટે વહીવટીતંત્ર તરફથી સતત દેખરેખ રાખી દરેક પરિવારને રાશન કીટ મળી રહે એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પૂરના પાણી ઓસરતા અસરગ્રસ્તોનું જીવનધોરણ પૂર્વવત બને એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંવેદનશીલ બની કામ કરી રહ્યું છે.


  • Follow us on: