બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વળાદર ગામમાં આવેલી દૂધ ડેરી સામે પશુપાલકોએ ગંભીર આક્ષેપો કરીને મોરચો માંડ્યો છે. ડેરીના ચેરમેન અને સદસ્યો પર ગેરરીતિ અને મનમાની આચરવાનો આરોપ મૂકીને પશુપાલકોએ ડેરીની બહાર ધરણાં શરૂ કર્યા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના સંચાલકો પારદર્શકતા વગર કામગીરી કરી રહ્યા છે અને સભાસદોને યોગ્ય નફો આપવામાં આવતો નથી. પશુપાલકોએ તાત્કાલિક સાધારણ સભા બોલાવીને હિસાબ-કિતાબ રજૂ કરવાની અને યોગ્ય નફો આપવાની માગ કરી છે. આ વિરોધથી ડેરીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
પશુપાલકોની મુખ્ય માંગ, ન્યાય નહીં તો ડેરીને તાળા
પશુપાલકોની મુખ્ય માગણીઓમાં ડેરીના સંચાલનમાં પારદર્શકતા લાવવી, વાર્ષિક હિસાબની વિગતો જાહેર કરવી અને દૂધના ભાવમાં યોગ્ય વધારો આપવાનો સમાવેશ થાય છે. આ ધરણાં દરમિયાન પશુપાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે અને તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે અને ડેરીને તાળા મારી દેશે. આ પ્રકારના કડક વલણથી ડેરીના સંચાલકો દબાણમાં આવ્યા છે. પશુપાલકોનું કહેવું છે કે તેમની મહેનતની કમાણીમાંથી સંચાલકો ગેરરીતિ આચરી રહ્યા છે, જે અસ્વીકાર્ય છે.













