વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર અસરગ્રસ્ત પોતાના મત વિસ્તાર થરાદ તાલુકાના આંતરોલ, તાખુવા, ભરડાસર, કાસવી, રામપુરા, સવપુરા, ભડોદર અને ભોરોલ ગામોની મુલાકાત લીધી હતી. પુર અસરગ્રસ્ત આ ગામોમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્થાનિક આગેવાનો સાથે મળી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી.


પશુઓ માટે ઘાસ-ચારો ઉપલબ્ધ રહે તે દિશામાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી

અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરીને લોકોથી સીધો સંવાદ સાધ્યો હતો. લોકોએ કરેલી રજૂઆતો સાંભળી સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તોની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ પૂર્વવત થાય તે માટે સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. અસરગ્રસ્ત લોકોને કેશડોલ વિતરણ, ઘરવખરી સર્વે, આરોગ્ય સેવાઓ, રોડ-રસ્તાની દુરસ્તી તેમજ પશુઓ માટે ઘાસ-ચારો ઉપલબ્ધ રહે તે દિશામાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે.

પૂરને લઈ તમામ જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરની પરિસ્થિતિની જાણકારી મેળવવા બે દિવસ આપણા વિસ્તારમાં રોકાયા છે. આગામી સમયમાં સરકાર દ્વારા વારંવાર થતી પૂર ની પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે પણ આયોજન છે. અધ્યક્ષે લોકોને વિશ્વાસ આપ્યો કે સરકાર અને વહીવટી તંત્ર હંમેશા આપની સાથે છે અને તમામ જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવશે.

  • Follow us on: