બનાસકાંઠાના ડીસા મામલતદાર કચેરીની દ્વારા કોરોના સમયગાળા દરમિયાન લાખોના રૂપિયા ખર્ચે સામાન ખરીદવામાં આવ્યો હતો. જેની આજે કોઈ દેખરેખ રાખનાર નથી. આ સામાન ડીસા મામલતદાર કચેરીની અગાસીમાં દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. ખરીદવામાં આવેલ સામાન આજે ઉપયોગી ન રહેતા કચેરીની અગાસીમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ લાખોના ખર્ચ કરીને કોરોના સમયે કચેરી દ્વારા જે સામાન ખરીદવામાં આવ્યો તે આજે બિન ઉપયોગી બની જવા પામ્યો છે અને લાખોનો જે ખર્ચ કરવામાં આવ્યો છે તે એળે ગયો છે.
લાખ્ખો રૂપિયાની સાધન સામગ્રી ધૂળ ખાતી નજરે પડી
સરકારી કર્મચારીની બેદરકારીના લીધે લાખ્ખો રૂપિયાની સહાય બિન ઉપયોગી બની ગઈ છે, તેવામાં ડીસામાં સરકાર દ્વારા આપવામાં આવેલી લાખ્ખો રૂપિયાની સાધન સામગ્રી ધૂળ ખાતી નજરે પડી છે. ડીસામાં મામલતદાર કચેરી અગાસીમાં ખુલ્લા આકાશ નીચે રહેલો સામાન વરસતા વરસાદમાં ખરાબ થઈ રહ્યો છે. આ જે સામાન બરબાદ થઈ રહ્યો છે તેને સરકારી કર્મચારીઓની બેદરકારી ગણવી કે લાપરવાહી તે સમજવા જેવું છે. કોરોના જેવી ભયંકર બીમારીને નાથવા માટે સરકાર દ્વારા જે સામાન ખરીદવામાં આવ્યો તે બીજા સદ્ઉપયોગમાં લેવામાં આવ્યો હોત તો કરવામાં આવેલ ખર્ચ લેખે લાગ્યો હોત.
કોરોના કાળનો સામાન કચેરીની બેદરકારીથી કાટમાળ બની રહ્યો છે.
કોરોના કાળ સમયના થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસિયલ માસ્ક જેવી કીટ કચરામાં ફેકી દેવામાં આવી હોય તેમ કચેરીની અગાસી ઉપર ઢગલો કરી દેવામાં આવ્યો છે. મોટાભાગની કીટ તો સીલબંધ તેમજ ઘણાના કવર પણ ખોલવામાં આવેલા નથી. આ સામાન જાણે મફતમાં મળી રહ્યો હોય અને તેનો બીજો કાંઈ ઉપયોગ જ ન હોય તેમ ફેકી દેવામાં આવ્યો છે. આ સિવાય કચેરીનો બહુ કિંમતી સામાન જેના થી કચેરીના દ્વારા લોકોના તમામ કામકાજ કરવામાં આવે છે તેવા કોમ્પ્યુટરના પ્રિન્ટર, મોનીટર, સીપીયુ, કી બોર્ડ, હાર્ડ ડિસ્ક આ તમામને ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા છે. જે વરસાદ અને ગરમીના લીધે લાખ્ખો રૂપિયાની સાધન સામગ્રી કાંઈ જ કામની રહી નથી. કોમ્પ્યુટર અને ફર્નીચરના સાધનોનું જો સમયસર સમારકામ કરાવ્યું હોત તો સરકારના લાખ્ખો રૂપિયા બચી ગયા હોત.